/connect-gujarat/media/media_files/2026/02/11/dead-body-2026-02-11-21-54-00.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, હત્યારાઓએ યુવકના હાથ-પગ બાંધી ગળે ટૂંપો દઈ હત્યા કરી હોવાનું અનુમાન છે.
ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. પોલીસે મૃતકની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે આસપાસના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. મૃતદેહ જે હાલતમાં મળ્યો છે, તે જોતા આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત, પ્રેમ પ્રકરણ, જમીન વિવાદ કે નાણાકીય લેણદેણ જેવા કારણો હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ આરંભી.