ભરૂચ: જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી, સંકલનની બેઠકમાં કરાય જાહેરાત

ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી

New Update
  • ભરૂચ જિલ્લા ભાજપને મળ્યા નવા પ્રમુખ

  • નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી

  • પ્રકાશ મોદી છે પાયાના કાર્યકર

  • સંકલનની બેઠકમાં કરવામાં આવી જાહેરાત

  • આગેવાનોએ અભિનંદન પાઠવ્યા

ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે. પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે ત્યારે તેઓના નામની જાહેરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે કરી હતી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રકાશ મોદીના નામની જાહેરાત થતા જ શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ મોદી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ઉપરાંત આર.એસ.એસ.ના આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળીના સાળા છે. શિરીષ બંગાળી પર ડી. ગેંગે હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું.

ડી ગેંગ દ્વારા જાહેર કરાયેલ હિટલિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું જે તે સમયે પ્રકાશ મોદીને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું. પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે અને હાલ તેઓ રાષ્ટ્રીય જન સંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા છે. પ્રકાશ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાવના કારણે ભરૂચમાં જાણીતો ચહેરો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાની ટર્મમાં ભાજપે ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. જેમાં તમામ પાંચ વિધાનસભા, જિલ્લા પંચાયત, તમામ નવ તાલુકા પંચાયત સહિત ચારે ચાર નગરપાલિકામાં ભાજપે ભાગવો લહેરાવ્યો હતો ત્યારે નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી પર આ પ્રદર્શન જાળવી રાખવાનો પડકાર રહેશે.
Latest Stories