New Update
ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટતા એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો છે,જેના કારણે દેહલી,દેસાડ,સોડગામ સહિતનાં ગામોમાં પાણી ભરાતા ગામમાંથી લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી,જ્યારે વિવિધ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થવાની સાથે સંપર્ક વિહોણા થયા હતા.
વાલિયામાં એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આભ ફાટતા અંદાજીત 12 કલાકથી વધુ સમયમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે દેહલી,દેસાડ અને સોડગામ ગામમાં વરસાદી પાણી ભરાયા હતા,અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા,જ્યારે કિમ નદીના જળસ્તરમાં વધારો થતા લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો.આ ઉપરાંત ટોકરી નદીમાં જળસ્તરમાં વધારો થતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા,જ્યારે મોતીપુરા,ગુંડીયા,કડવાલી,નવાપરા ,બિલેશ્વર ગામના મુખ્ય માર્ગો પણ વરસાદી પાણીથી પ્રભાવિત થતા રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.વધુમાં માંગરોળના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે એક હાઇવા ટ્રક પલટી મારી ગઈ હતી.
તો બીજી તરફ નેત્રંગમાં 2.6 ઇંચ વરસાદ ખાબકતા આંજોલી,ઉંડી,અને કુરીના મુખ્ય રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાયા હતા,જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જવાની સાથે ગામનો સંપર્ક પણ તૂટ્યો હતો.અને આંજોલી ગામ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં નાળા પણ ધોવાય ગયા હતા,અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
Latest Stories