ભરૂચ જિલ્લામાં આજરોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો સાથે જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે સૂર્યનારાયણના દર્શન જાણે દુર્લભ થઈ ગયા છે. ચાર દિવસથી છૂટો છવાયો અને ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે.
ભરૂચ શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ વાગરા જંબુસર અને આમોદ સિવાયના તમામ તાલુકાની શાળા કોલેજ અને આઈ.ટી.આઈ માં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી કલેક્ટર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો જંબુસર 9 મી.મી.આમોદ 5 મી.મી.વાગરા 11 મી.મી.ભરૂચ 1 ઇંચ,ઝઘડિયા 3 ઇંચ,અંકલેશ્વર 1.5 ઇંચ,હાંસોટ 4 ઇંચ,વાલિયા 3.5 ઇંચ અને નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો