New Update
ભરૂચના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની બલિહારી
ડહેલી ગામના લોકો માટે પડકાર જનક પરિસ્થિતિ
નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી થાય છે પસાર
નનામી લઈ પાણી વચ્ચેથી પસાર થવું પડે છે
તંત્ર પુલ બનાવી આપે એવી માંગ
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો ખાડી પુલના અભાવે કિમ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી નનામી લઈ અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ઘૂંટણ સમા પાણીમાં નનામી લઇ ઉભેલા લોકોના દ્રશ્યો વિકાસની ચાડી ખાય રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચના ટ્રાયબલ વિસ્તાર એવા વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે કારણ કે ચોમાસાની સીઝનમાં કિમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યુ હોઈ તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન છે.તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણ સમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કિમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે ત્યારે મંગળવારની સાંજે કેડ સમા પાણીમાંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા.આ દ્રશ્યો કહેવાતા વિકાસની ચાડી ખાય રહ્યા છે.
અંતિમ યાત્રા માટે પણ આટલા પડકારોનો સામનો કરવો પડે એ તંત્ર માટે શરમજનક કહી શકાય.આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય,ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે પરંતુ આંધળું અને બહેરુ તંત્ર કંઈ પણ સમજવા કે પગલાં લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નાળુ બનાવી આપે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories