કમોસમી વરસાદમાં ખેતી પાકને નુકસાન
જિલ્લા વહીવટી તંત્રએ હાથ ધર્યો સર્વે
355 ટીમ દ્વારા પાક નુકસાની અંગે સર્વે
654 ગામમાં કરવામાં આવ્યો સર્વે
ખેડૂતોને વહેલી તકે વળતર મળે તેવો પ્રયાસ
ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને 654 ગામોમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટી નુકસાની પહોંચી છે,જે નુકસાનીનો તાગ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 355 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.આ ટીમ દ્વારા જિલ્લાના 654 ગામમાં પાક નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીની સુચના અનુસાર અને જિલ્લાના કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા ખેતરોમાં જઇને પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ ઉક્ત 355 ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા. આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી, આત્માના વિભાગ અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમો ગામ-ગામની મુલાકાત લઇ સરપંચ, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચરોજકામ અનુસાર માહિતી સંકલિત કરી રહી હતી.ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈપણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવ્યું છે.
ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડીયા, આમોદ,વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ 654 ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં 2,05,454 હેક્ટર વાવેતર પૈકી 1,89,175 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જેમાં 33 ટકા કે તેથી વધુ 1,35,064 જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.