ભરૂચ જિલ્લાના આમોદનગરના કાછીયાવાડ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ ચોકમાં સાફ-સફાઈની કામગીરીમાં નગરપાલિકા દ્વારા વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગત તા. 3જી તારીખથી આસો સુદ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાના આમોદનગરના કાછીયાવાડ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. જે બાબતે આમોદ કાછીયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ નગરપાલિકાને ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઈનની કામગીરીના કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે લેખિત અરજી આપી હતી.
તેમજ નવરાત્રી દરમ્યાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રસથી સાફ કરવા જણાવ્યું હતું. છતાં સાવરણાથી સફાઈ કરવામાં આવતાં ચોકમાં ધૂળ રહી ગઈ હતી. લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા સ્થાનીક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
કારણ કે, પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ પર રેતીની ધૂળ જોવા મળી હતી. આ ઉપરાંત બ્રસથી સાફ-સફાઈ કરવાના બદલે સાવરણાથી સફાઇ કરવામાં આવતા ધૂળ રહી ગઈ હતી.
જેથી સ્થાનીક યુવાનોએ પોતે હાથમાં ઝાડુ લઈને ગ્રાઉન્ડ સાફ કરવાની નોબત આવી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, આમોદ પાલિકાનો કાછીયાવાડ વિસ્તારએ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તેમજ આ વિસ્તારમા રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રહે છે, ત્યારે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા કાછીયાવાડ વિસ્તારમાં માતાજીના હિન્દુધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ ભભૂકી ઠ્યો હતો.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ કાછીયાવાડમાં મહેરબાની કરીને આવવું નહી. ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછીયાવાડમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કાછીયાવાડમાં એક જ વિસ્તારમાંથી 2 નગરસેવકો આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે. છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં પણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.