અંધજનો અને દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રીના સુમધુર કંઠે કથાનું રસપાન
કથા દરમ્યાન દ્વાદશ જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરાયું
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન દ્વાદશ જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન છઠ્ઠા દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ યોજાયેલ સાંધ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા આયોજકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ-વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે શિવ મહાપુરાણ કથાના છઠ્ઠા દિવસે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અશ્વિન કાપડિયા, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, માનદ મંત્રી પ્રદિપ પટેલ, ફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના ડિરેક્ટર યોગેશ પારિક, અગ્રણી સુરેશ આહિર, એડવોકેટ ગિરીશ પરમાર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.