ભરૂચ: દારૂ-ડ્રગ્સનું દુષણ ડામવા સરકાર નિષ્ફળ નિવડી હોવાના કોંગ્રેસના આક્ષેપ, SP કચેરીમાં કરાય રજુઆત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

  • દારૂ ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસનો વિરોધ

  • જિલ્લા પોલીસ વડાની કચેરીમાં કરાય રજુઆત

  • દુષણ ડામવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ

રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દુષણને ડામવામાં સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસવાડાની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા જિલ્લામાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર જિલ્લા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાય હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. 
રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા છે. જિલ્લા કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે. એટલું જ નહીં, નશાના વિરોધમાં વર્ષોથી કાર્યરત 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ પણ સરકારે બંધ કરી દીધી છે જેના કારણે દારૂ–ડ્રગ્સના દૂષણ સામેની લડત નબળી પડી છે.
પોલીસ તંત્રએ દારૂબંધી–નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જડમૂળથી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી છે.આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, સમસાદ અલી સૈયદ, શકીલ અકુજી સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા.
Latest Stories