/connect-gujarat/media/media_files/2024/11/11/iCiRI07ILeTL7go4nWSw.png)
રાજકોટ,સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. હવે તેમને બગોદરા કે વડોદરા જવું પડશે નહીં.
જામનગરથી રોડ માર્ગે, ભરૂચ માત્ર 5 કલાકમાં અને સુરત માત્ર 6 કલાકમાં પહોંચી શકાશે. જામનગરથી ભરૂચ થઈને ભાવનગર સુધી નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે. જેમાં દેશનો સૌથી લાંબો 30 કિલોમીટર લાંબો પુલ ખંબાતના સમુદ્રમાં બનાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ સંદર્ભે સર્વે કરવા એજન્સીઓ પાસેથી બિડ મંગાવી છે.આ પ્રોજેક્ટ અમલી બન્યા બાદ સૌરાષ્ટ્રના વાહનવ્યવહારમાં મોટો ફેરફાર થશે અને દરરોજ લાખો લીટર ઈંધણ અને સમયની બચત થશે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને ભારતમાલા પ્રોજેક્ટ્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ સેલ દ્વારા સમગ્ર દેશમાં 8 નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા.જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિમી ચાર અથવા છ લેન બનાવવાનો છે. દરિયામાં લગભગ 30 કિલોમીટર લાંબો પુલ પણ બનાવવામાં આવશે. બંને પ્રોજેક્ટ નવા એક્સપ્રેસ વે (કોરિડોર) હશે, જેની કુલ લંબાઈ 316 કિલોમીટર હશે,જાેકે, જામનગરથી રાજકોટ અને રાજકોટથી ભાવનગરના હાલના રૂટનું નવીનીકરણ કરીને પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે કે રૂટમાં ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે ગુજરાતમાં બંને પ્રોજેક્ટના ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) માટે ટેન્ડર બહાર પાડ્યા હતા, બિડની જાહેરાત 26 જૂને કરવામાં આવી હતી અને બિડિંગની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી.
ગુજરાતમાં બંને પ્રોજેક્ટ માટે કુલ 15 કન્સલ્ટન્ટ કંપનીઓએ બિડ કરી છે. જામનગર-રાજકોટ-ભાવનગર એક્સપ્રેસવે માટે 12 કંપનીઓએ બિડ કરી છે અને ભાવનગર-ભરૂચ એક્સપ્રેસવે માટે 3 કંપનીઓએ બિડ કરી છે. હાલ આ તમામ બિડનું ટેકનિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. બાદમાં, લાયક બિડરોમાં સૌથી ઓછી બોલી લગાવનારને સર્વેની કામગીરી સોંપવામાં આવશે. કંપનીએ 540 દિવસમાં ડીપીઆર તૈયાર કરવાનો રહેશે.આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને સુરત અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે. હાલમાં જો તમારે સૌરાષ્ટ્રથી સુરત જવું હોય તો તમારે બગોદરા અથવા વડોદરા થઈને જવું પડે છે. આ માર્ગ પર જામનગરથી સુરતનું અંતર લગભગ 527 કિલોમીટર છે. હવે જો નવો જામનગર-ભાવનગર-ભરૂચ એક્સપ્રેસ વે બને તો જામનગર અને સુરત વચ્ચેનું અંતર ઘટીને 392 કિલોમીટર થઈ જશે. તેવી જ રીતે રાજકોટ-સુરત વચ્ચેનું અંતર જે હાલમાં 436 કિલોમીટર જેટલું છે તે 117 કિલોમીટર ઘટીને 319 કિલોમીટર થશે. જ્યારે સોમનાથથી સુરતનું હાલનું અંતર વડોદરા વાયા 627 કિલોમીટર છે, તે 215 કિલોમીટર ઘટીને માત્ર 412 કિલોમીટર થશે.સૌરાષ્ટ્રના ભાવનગરને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે ભાવનગરથી સુરતની મુસાફરી હજુ લાંબી છે અને 357 કિલોમીટરનું અંતર કાપે છે. જાે નવો એક્સપ્રેસ વે બને અને દરિયામાં 30 કિમી લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી 1 કલાકમાં સીધું ભરૂચ પહોંચી શકાય છે. તેમજ ભાવનગરથી સુરતનું અંતર 243 કિલોમીટર ઘટી જશે. બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 114 કિલોમીટર હશે, જેમાં બે કલાકથી ઓછો સમય લાગશે. અંતર ઘટાડવાથી વાહનના ઈંધણમાં અબજાે રૂપિયાની બચત થશે. આ ઉપરાંત વાહનોમાંથી નીકળતા ધુમાડાને અટકાવીને પર્યાવરણને પણ ફાયદો થશે.જાે બધું બરાબર પાર પડે અને પ્રોજેક્ટ અમલમાં આવે તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો બ્રિજ હશે. ભાવનગરથી ભરૂચ સુધી દરિયામાં 30 કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવશે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) માટે કંપનીની પસંદગી થયા બાદ તે 2025ના મધ્યમાં કામ શરૂ કરશે. તે આ સંભવિત પ્રોજેક્ટની તમામ વિગતો એકત્ર કરશે, જેમ કે રસ્તો કેવી રીતે બનશે, રસ્તો ક્યાંથી પસાર થશે, કેટલા અને કેવા પ્રકારના પુલ અને અંડરપાસ બનાવવામાં આવશે, ડિઝાઇન શું હશે, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, કેટલી સરકારી અને ખાનગી જમીન સંપાદિત કરવી પડશે. આ ઉપરાંત રોડ ડ્રેનેજ સિસ્ટમ, લેન્ડસ્કેપિંગ, પાર્કિંગ એરિયા, પર્યાવરણને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. આ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ૨૦૨૬ ના અંત સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. ત્યાર બાદ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.અને રોડ બનાવવાની વાસ્તવિક કામગીરી શરૂ થશે.