ભરૂચ જિલ્લાના વાગરા ઔદ્યોગિક વસાહતની જ્યુબીલન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ દહેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે રૂ. 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યુબીલન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ દહેજ પોલીસે ઉકેલી કાઢ્યો
ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે દહેજ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા. દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, અટાલી ગામની સિમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમીકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઇરાદે ફરે છે. સદર બાતમી મુજબ મેહાલી સ્કુલની પાછળ રોડ પર કાર નં. GJ-16-CS-4838ની મળી આવેલ હતી. જે કારમાં 4 ઇસમો તથા આશરે 3 કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવ્યો હતો. જે પાવડર બાબતે સદર ઇસમો પાસે પાવડરના આધાર-પુરાવા કે, બિલ રજુ કરવા જણાવતા કોઈ બિલ કે, આધાર-પુરાવા રજુ કર્યા નહોતા.
ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીષ વસાવા તથા વિશાલ વાસાવા નાઓએ જણાવ્યુ હતું કે, આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલ જ્યુબીલન્ટ કંપનીમાંથી અમે બંન્ને તેમજ સમીર રાઠોડ તથા અજય દાંડા નાઓએ સાથે મળી કેટાલીસ્ટ પાવડર ચોરી કર્યો હતો. જે પૈકી 3 કિલો પાવડર વેચવા માટે નીકળેલા અને બીજો આશરે ચારેક કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણથી આપ્યો હોવાની પોલીસ સમક્ષ ઝડપાયેલા ઇસમોએ કબુલાત કરી હતી. જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદામાલ સાથે અન્ય 3 ઇસમોને પકડી પાડી, આમ બન્ને જગ્યા પર સદર ઇસમોના કબ્જામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. 11,84,000 ગણવામાં આવ્યો હતો. જે બાદ B.N.S.S અલગ-અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોપવામાં આવ્યા છે.