કસકમાં ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેશાન, પાલિકા દ્વારા પેવર બ્લોકની કામગીરીથી ટ્રાફિકજામ
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની રહી છે,જોકે પાલિકા દ્વારા કસક ગરનાળા પાસે ખાડામાં પેવર બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા ભારે ચક્કાજામ સર્જાયો હતો.
ભરૂચ શહેરમાં મુખ્ય પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળામાં ટ્રાફિકજામ કોઈ નવી વાત નથી.છાશવારે સર્જાતી ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો સહિત પોલીસ તંત્ર માટે પણ સરદર્દ સમાન બની ગઈ છે. આજરોજ કસક ગરનાળા પાસે રસ્તા પર પડેલા ખાડામાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે આ કામગીરી દરમિયાન ગરનાળામાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.પોલીસ જવાનો દ્વારા આ ટ્રાફિકને હળવો કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
આ પેવર બ્લોકની કામગીરી દરમિયાન કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી,અને ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકવા માટે આદેશ આપ્યો હતો. સાથે જ કોન્ટ્રાક્ટરને કામગીરી હવે રાત્રીના સમયે જ કરવા માટે સૂચના આપી હતી.
આ મામલે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે, પણ તંત્રએ યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને ટ્રાફિકજામ માંથી મુક્તિ મળી હતી.