/connect-gujarat/media/media_files/2025/01/08/O5rkzn7xENQVCguorB2U.png)
ભરૂચમાં એક મહિલા રાજકીય અગ્રણી સાથેના ફોટા વાઇરલ કરી બદનામ કરવાના કેસમાં ફરાર વડોદરાના વાઘોડિયા ખાતે રહેતા ચિંતન પટેલની પોલીસે સીઆરપીસી 70 હેઠળના વોરંટમાં ફરીથી ધરપકડ કરી છે.
આરોપી ચિંતને પોતે ધારાસભ્ય હોવાની પ્રોફાઇલ બનાવી મુંબઇની એક મહિલા સાથે લગ્ન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરાર આરોપી સામે કોર્ટે વોરંટ જારી કર્યું હોવાથી પોલીસ તેને શોધી રહી હતી. વડોદરામાં હોવાની માહિતી મળતા તેને ઝડપી લેવાયો છે.તેણે ધ્રુવ પટેલ તરીકેનું આધારકાર્ડ બનાવી મહારાષ્ટ્રમાં વધુ એક મહિલા સાથે મંદિરમાં લગ્ન કરી ફોટા-વીડીયો વાઈરલ કરી છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
વાઘોડિયા વિસ્તારમાં રહેતા ચિંતન પેટેલે સોશિયલ મીડિયામાં ધારાસભ્ય હોવાની પ્રોફાઇલ બનાવી રૂપિયાની નોટોના બંડલ અને સોનાના બિસ્કિટોના ફોટા અપલોડ કર્યા હતા. તેને ભરૂચની એક મહિલા રાજકીય અગ્રણીને જાળમાં ફસાવી તેની સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા.આ ભેજાબાજ સામે ભરૂચ જિલ્લા સહિત પાણીગેટ, જેપી રોડ, સાવલી અને આંતરસુંબા પોલીસ સ્ટેશન સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગુના દાખલ થયેલા છે.
આરોપીએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન, પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપના આગેવાનો સાથેના ફોટા મૂકી મહિલાઓને પોતાના તરફ આકર્ષિત કરી હતી. મહિલાઓને માયાજાળમાં ફસાવવા તેણે સોશિયલ મીડિયામાં ગરીબોને દાન કરતો હોવાની ખોટી પોસ્ટો મૂકી હતી. જેમાં એક પોસ્ટમાં તેણે આશ્રમમાં 5 કરોડનું દાન કરશે તેવી પોસ્ટ સાથે 500ની નોટો ભરેલા બંડલોનો ફોટો પણ મૂક્યો છે.