New Update
ભરૂચના નર્મદા મૈયાબ્રિજનો બનાવ
યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી
આપઘાતનો કર્યો પ્રયાસ
સ્થાનિક તરવૈયાઓએ જીવ બચાવ્યો
બ્રિજ પર જાળી લગાવવા માંગ
ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક તરવૈયાઓએ તેને બચાવી લીધી હતી.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવાના બનાવો યથાવત છે. આજે અંકલેશ્વરના ભગવતી નગરમાં રહેતી એક યુવતીએ નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા માટે છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.સદનસીબે, ઘટનાસ્થળે હાજર રહેલ રાહદારીઓએ યુવતીને જોઈ તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો.
ધર્મેશ સોલંકીએ તરત જ સ્થાનિક નાવિકોને જાણ કરી યુવતી નર્મદા નદીમાં પડી હોવાની માહિતી આપી હતી. નાવિકો ઘટનાસ્થળે પહોચી ગયાં અને યુવતીને નાવડીમાં બચાવી લેવામાં આવી હતી.હાલત સામાન્ય થાય તે પહેલાં યુવતીએ ફરી નાવડીમાંથી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નાવિકોની સતર્કતા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમના પ્રયત્નોથી ફરીવાર યુવતીને બચાવી લેવાઈ હતી. પછી 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી, જેમાં યુવતીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને માર્ગને મકાન વિભાગ દ્વારા આ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે પરંતુ જાળી ક્યારે લાગશે તે મોટો પ્રશ્ન છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોનક શાહે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને વર્કઓર્ડર પણ અપાઈ ગયો છે ટૂંક જ સમયમાં આ કામગીરી શરૂ થશે.
Latest Stories