શહેર તથા જિલ્લામાં આવેલી છે અનેક શૈક્ષણિક સંસ્થાઓ
વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણય લેવાયો
શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી બસોને મળી છે પરવાનગી
નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી અપાય
વિદ્યાર્થીઓ - શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો
ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓના હિતમાં વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલ બસો અને વાહનો મારફતે અવરજવર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ માટે દિવાળી પહેલાં ખુશખબર સામે આવી છે. વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપી દેવામાં આવી છે. નિયમો અનુસાર 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા સાથે સ્કૂલ બસો હવે આ માર્ગનો ઉપયોગ કરી શકશે.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, એમ.કે. કોલેજના આચાર્ય વિજય જોષી તથા અધવેદ શાળાના સંચાલક પિયુષ પટેલ સહિતના શૈક્ષણિક સંચાલકોની ઉપસ્થિતિમાં બસોના પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લામાં આવેલી અનેક શાળાઓના વિદ્યાર્થીઓને અગાઉ નર્મદા બ્રિજ પરથી પસાર થવાની મનાઈ હોવાથી નેશનલ હાઈવે નંબર 48 પરથી ફરીને જવું પડતું હતું. જેના કારણે ટ્રાફિકજામ, લાંબી રાહ અને વિલંબ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, ત્યારે હવે નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલ બસોને પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.