ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર શુક્રવારે સાંજે બે આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે અફરાતફરી મચાવી હતી. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને આખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું. આશરે અડધા કલાક સુધી ચાલેલી આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી.લડાઈ દરમિયાન કેટલાક દ્વિચક્રી વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકા સામે રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ વચ્ચે થતી લડાઈના કારણે નાગરિકોના જીવને જોખમ ઊભું થતું હોવાથી, આવા પશુઓને પકડીને પાંજરાપોળમાં મૂકવાની માંગ ઊઠી છે.