અંક્લેશ્વરમાંથી ડ્રગ્સનો મામલો
રાજકીયક્ષેત્રે છેડાયું શાબ્દિક યુદ્ધ
મુમતાઝ પટેલના સરકાર પર આક્ષેપ
ભાજપે કરી પોલીસ કામગીરીની સરાહના
MLA અને જિલ્લા પ્રમુખે આપી પોતાની પ્રતિક્રિયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે.અને કોંગ્રેસના મુમતાઝ પટેલે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોનો ભાજપના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે રદિયો આપ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી આવકાર ડ્રગ્સ પ્રા.લી કંપનીમાંથી નશીલા પદાર્થ ઉત્પાદનનો પર્દાફાશ થયો હતો.જે અંગે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા,જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત હવે ડ્રગ્સનો પ્રવેશ ઘ્વાર બની રહ્યું છે,કારણ કે ગુજરાત માંથી સતત ડ્રગ્સ ઝડપાય રહ્યુ છે.વધુમાં મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી વખતે પણ 30 ટકા ડ્રગ્સ ગુજરાત માંથી ઝડપાયું હતું.પરંતુ ઉડતા ગુજરાત ચોક્કસપણે થઈ રહ્યું છે.ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને આ તેમના નાક નીચે થઈ રહ્યું હોવાના આક્ષેપ મુમતાઝ પટેલે કર્યા હતા.
મુમતાઝ પટેલના આક્ષેપો સામે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી,અને જણાવ્યું હતું કે મુમતાઝ પટેલ કોણ છે? ગુજરાત પોલીસની સક્રિયતાઓને કારણે આજે નશાના કારોબારનો પર્દાફાશ થઇ રહ્યો છે,અને પોલીસની સફળ કામગીરી માટે ગુજરાત પોલીસને અભિનંદન પાઠવીને તેઓએ મુમતાઝ પટેલે કરેલા આક્ષેપોનો રદિયો આપ્યો હતો.
જ્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા પણ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે આપેલા નિવેદનને વખોડી કાઢ્યું હતું,અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના સમયે ઉડતા પંજાબ બની ગયું હતું,જ્યારે ઉડતા પંજાબ સાથે ગુજરાતની તુલના કરવી અયોગ્ય હોવાનું તેઓએ જણાવ્યું હતું,અને ગુજરાત પોલીસની સક્રિયતાઓને કારણે ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પાર પડી રહ્યા નથી,અને પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.