-
શેરડીના ખેતરમાંથી મળ્યો માનવ કંકાલ
-
ખેતર સળગાવતા મળી આવ્યો કંકાલ
-
સળગતી હાલતમાં જ કંકાલ મળતા અરેરાટી વ્યાપી
-
સ્થાનિક ગામની જ યુવતીનો કંકાલ હોવાની આશંકા
-
પોલીસે ફોરેન્સિક પીએમ સહિતની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગતી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું, ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવાની સાથે રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.અને આ કંકાલ સ્થાનિક કોઈ યુવતીનો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ બાદ ઝઘડીયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે.શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાય ગયો હતો,જોકે આ ઘટના અંગેની જાણ મજૂરોને થતા તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી,અને પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં નર કંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યું હતું,અને મૃતદેહ પાસેથી એક થેલી,કપડા,ચપ્પલ પણ પોલીસને મળી આવ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી છે,જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઇએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિક ગામની એક યુવતી ત્રણ મહિનાથી ગુમ હતી,તેથી આ ઘટનામાં સ્થાનિક યુવતી જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે,પરંતુ ચોક્કસ તપાસ બાદ જ અંતિમ નિર્ણય લઈને કહી શકાય કે સ્થાનિક યુવતી જ છે કે અન્ય કોઈ?પોલીસ દ્વારા હાલ આ ઘટનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.