કર્મચારીઓની રજુઆત સાંભળી, સરકારમાં રજુઆત કરવા આગેવાનોએ બાંહેધરી આપી
ભાજપના સાંસદ મનસુખ વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ આજે એક જ સાથે નજરે પડ્યા હતા વાત જાણે એમ છે કે ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા છ દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે.
તેઓના સમર્થનમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, મિતેશભાઈ પઢીયાર,વૈભવ વસાવા સહિત સામાજિક આગેવાનો આગળ આવ્યા હતા અને કંપનીના કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓએ ચર્ચા કરી હતી.
આ મુદ્દે કંપની સત્તાધીશો દ્વારા ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો અને આ ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતુ. હાલ તો આ કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે. અંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કર્મચારીઓના પ્રશ્ન બાબતે લેબર કમિશનરમાં રજૂઆત કરવામાં આવશે અને સાથે જ જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની કર્મચારીઓને બાંહેધરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને આગેવાનો રાજકીય પ્રતિસ્પર્ધી છે પરંતુ કર્મચારીઓના પ્રશ્ને તેઓ એક મંચ પર આવતા તેમના આ પ્રયાસની સરાહના થઈ રહી છે.