જંબુસર એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો
શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે વિશેષ બસ સેવા શરૂ
કાવી-કંબોઈ, નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત
ભક્તોની લાગણી - સુવિધાને ધ્યાનમાં રાખી આયોજન
યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ભક્તોમાં પવિત્ર યાત્રાધામો માટે ઉત્સાહની લાગણી છવાઈ રહી છે. લાખો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે, ત્યારે ભક્તોની આ લાગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જંબુસર એસટી ડેપો દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
જંબુસરથી કાવી-કંબોઈ તથા નારેશ્વર યાત્રાધામ સુધી એસટી બસો દોડાવવાની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી દેવાઈ છે. જેના કારણે યાત્રાળુઓને હવે આરામદાયક અને વિઘ્નવિહોણી મુસાફરીનો અનુભવ મળશે. જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમ્યાન ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
કાવી-કંબોઈ તથા નારેશ્વર બન્ને સ્થળોએ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે. તેથી પૂરતી સંખ્યામાં બસો મુકવામાં આવી છે, અને બસો નિયમિત અંતરે ઉપડશે. આ વ્યવસ્થાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને સરળતાથી યાત્રાધામોની મુલાકાત લઈ શકશે, ત્યારે જંબુસર એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.