રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનશે જિલ્લાના મહેમાન
જંબુસરના કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરશે
અંકલેશ્વર શહેરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે
મુખ્યમંત્રીના આગમન પૂર્વે બિસ્માર માર્ગોની મરામત શરૂ
કોંગ્રેસ અગ્રણીએ કર્યા વહીવટી તંત્રની કામગીરી પર આક્ષેપ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આગામી સોમવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ હાજરી આપવાના છે, ત્યારે ગાઢ નિંદ્રામાંથી જાગેલું તંત્ર શહેરને ઝગમગાટ કરવા દોડધામ કરી રહ્યુ હોવાનો કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કર્યો હતો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શ્રાવણ માસના સોમવારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીનું પૂજન-અર્ચન કરશે. જંબુસર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંકલેશ્વર ખાતે આવશે. અંકલેશ્વરના માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અંકલેશ્વરના માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે આયોજિત કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ, મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર એવા માર્ગોને સહી સલામત બતાવવા માટે તંત્ર દ્વારા રોડની મરામત શરૂ કરી દેવામાં આવી છે. જોકે, મુખ્યમંત્રીના આગમન પૂર્વે અચાનક ગાઢ નિંદ્રામાંથી જાગેલું તંત્ર શહેરને ઝગમગાટ કરવા માટે દોડધામ કરી રહ્યુ હોવાનો અંકલેશ્વર કોંગ્રેસ અગ્રણી ભુપેન્દ્ર જાનીએ આક્ષેપ કર્યો હતો.