New Update
અંકલેશ્વર માંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું
સુરતથી દહેજ કંપનીમાં લઇ જવામાં આવતો હતો કોલસો
LCBએ દરોડા પાડી કૌભાંડનો કર્યો પર્દાફાશ
પોલીસે સાત આરોપીઓની કરી ધરપકડ
કોલસો,ટ્રક સહિત કુલ રૂપિયા 69.23 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગ માંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું.સુરતના મગદલ્લા પોર્ટથી દહેજની GACL કંપનીમાં આ કોલસો પહોંચાડવાનો હતો,જોકે માર્ગમાં જ કોલસા માફિયાઓ ટ્રક ચાલકો સાથે સાંઠગાંઠ કરીને કોલસા ચોરીને અંજામ આપી રહ્યા હતા,હાલ પોલીસે કુલ રૂપિયા 69 લાખ 23 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કરીને 7 આરોપીની ધરપકડ કરી હતી.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીને આધારે નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ શ્યામ એન્ટરપ્રાઇઝ કરશન ગોવિંદભાઇ રંગપરા ગોડાઉન પર દરોડા પડ્યા હતા,અને LCBના દરોડામાં ટ્રક માંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાઈ ગયું હતું.
જેમાં પોલીસની તપાસમાં સુરત મગદલ્લા પોર્ટ ખાતેથી કોલસો ટ્રકમાં ભરીને ભરૂચના દહેજ ખાતેની GACL નાલ્કો અલ્કાઈસ એન્ડ પ્રા.લી.માં લઇ જવામાં આવતો હતો.પરંતુ ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકો સાથે સાંઠગાંઠ કરીને ઈમ્પોર્ટન્ટ કોલસાની ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,પોલીસે ઘટના સ્થળ પરથી વજુ ભીમાભાઇ માલકિયા,ટ્રક ચાલક રાજેન્દ્ર શ્રીરામકાલુ સરોજ,ટ્રક ચાલક રોહિત લાલાભાઇ કટારા,ટ્રકનો ક્લીનર અજય કટારા,રઈશ અફસર અલી,શેરૂ રાયસીંગ અમલીયાર,અજમલ હુસેન રેશમ અલીની ધરપકડ કરી હતી.
LCBએ સાત આરોપીઓની ધરપકડની સાથે ટ્રકમાં ભરેલ ઈમ્પોર્ટન્ટ કોલસો,ચાર ટ્રક,એક લોડર,સ્વીફ્ટ કાર,તેમજ બાઈક થતા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 69 લાખ 23 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,આરોપીઓની પૂછપરછમાં ચોંકા વનારી હકીકત બહાર આવી હતી,ભેજાબાજ કોલસા માફિયાઓ ટ્રક માંથી કોલસો ચોરીને તેમાં થાનની માટી તેમજ ફલાયસ મિક્સ કરીને કૌભાંડને અંજામ આપતા હતા..
તેમજ LCB પોલીસે ગોડાઉનમાં રહેલ 90 ટન કોલસો જેની કિંમત રૂપિયા 6 લાખ 21 હજાર,તેમજ થાનની માટી 35 ટન કિંમત રૂપિયા 24 હજાર 500 તથા ફલાયસ 20 ટન કિંમત રૂપિયા 12 હજારનો જથ્થો ગોડાઉન સાથે સીલ કર્યો હતો. ઘટના અંગે LCBએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી,અને વધુ આરોપીઓની સંડોવણી અંગેની તપાસ પણ શરુ કરી હતી.
Latest Stories