ભાવનગર ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઇકોર્ટનું તેડું આવ્યું છે. ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે હાઈકોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં જીતુ વાઘાણીને સમર્થન આપતી ખોટી પત્રિકાઓની વહેંચણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટ અરજીની સુનાવણી કરતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. વિધાનસભાની ચૂંટણી 2022માં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીનો વિજય થયો હતો. તેમની સામે રહેલા કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાવનગર વિધાનસભા પશ્ચિમ બેઠક પરથી જીતુ વાઘાણીને સ્ટાર પ્રચારક બનાવાયા હતા. તેઓ લોકસંપર્ક કરી રહ્યા હતા. છેલ્લી 2 ટર્મથી જીતુ વાઘાણી આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં પણ તેઓ જીતની હેટ્રિક લગાવવામાં સફળ રહ્યા હતા. આ વખતે ભાવનગર પશ્ચિમ બેઠક પર ત્રિપાંખિયો જંગ હોવાથી રસાકસી સર્જાઈ હતી. જીતુ વાઘાણીના પ્રચાર દરમિયાન તેમના સમર્થકોએ ખોટી પત્રિકાઓ વહેંચવા મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટ દ્વારા વાઘાણીને સમન મોકલાયુ છે.