Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કપાસ-બાજરીના પાકની આડમાં કરેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, રૂ. 7 લાખનો મુદ્દામાલ જપ્ત...

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખડસલીયા ગામની વિસ્તારમાંથી કપાસ તથા બાજરીના પાકની આડમાં કરેલું ગાંજાનું વાવેતર ઝડપાયું

X

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખડસલીયા ગામની વાડી વિસ્તારમાંથી કપાસ તથા બાજરીના પાકની આડમાં કરેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, પોલીસે રેડ કરતા વાડીમાંથી ૧૪૫ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરીના કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે ભાવનગર પોલીસે પણ એક સફળ ઓપરેશન પાર પાડી ગાંજાનું વાવેતર ઝડપી એક ઇસમને જેલના હવાલે કરી દિધો છે. ભાવનગર એસ.ઓ.જી. પોલીસ વિભાગના પીએસઆઈ એન.જી.જાડેજાને ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું વાવેતર થયું હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે ઘોઘા તાલુકાના ખડસલિયા ગામે આવેલ ભોલાવદર વાડી વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં વાડી માલિક ભોળા ડાભીની વાડીમાંથી પોલીસને ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. ભોળા ડાભીએ ચારણીયા સીમ તરીકે ઓળખાતી વાડીમાં કપાસ તથા બાજરીના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસે સ્થળ પર જતાં વાડીમાં માત્ર કપાસ અને બાજરીનો પાક લહેરાતો જોવા મળ્યો હતો, જેથી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે વાડીની સઘન તપાસ કરતા કપાસ અને બાજરીના પાકની વચ્ચે વાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.

પોલીસે વાડીએથી તમામ ૧૪૫ નંગ જેનું વજન ૧૪૯ કિલો ૫૬૬ ગ્રામ થાય છે. એવા રૂપિયા ૭,૪૮,૩૩૦ની કિંમતના લીલા ગાંજાના છોડ સાથે આરોપી ભોળા ડાભીને ઝડપી લીધો હતો. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં ભોળા ડાભી તથા સરતાનપર ગામે રહેતા તેના મિત્ર ભગત ચૌહાણે ભાગીદારીમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું જણાવ્યુ હતું. જોકે, ભગત ચૌહાણ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે બન્ને ઇસમો વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story