મહુવા તાલુકાના કોંજળી ગામમાં ખેલાયો ખૂની ખેલ
લૂંટ-મર્ડર મામલે પોલીસના હાથે આરોપી ઝડપાયો
કૌટુંબિક ઝઘડામાં વૃદ્ધાની હત્યા કરી હોવાનો ખુલાસો
કોંજળીમાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્સન
તમામ કડીઓ જોડવામાં પોલીસને માહિતીઓ મળી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે થયેલ વૃદ્ધાની હત્યા અને લૂંટ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્સન કર્યું હતું.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામમાં 5 દિવસ પહેલા 85 વર્ષીય ઉજીબેન વાળાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવના પગલે ગ્રામજનોના ટોળાં વળ્યા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે તપાસ હાથ ધરતા વૃદ્ધાના કાનમાંથી સોનાના ઘરેણાં પણ ગાયબ હતા, જેના કારણે પોલીસે લૂંટ વિથ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં 5 દિવસની અંદર જ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢી મૃતકના કુટુંબીજન વિપુલ વાળાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી વિપુલ વાળાએ કબૂલ્યું છે કે, કૌટુંબિક ઝઘડાના કારણે તેણે ઉજીબેનની હત્યા કરી હતી.
હત્યા બાદ તેણે લૂંટેલા સોનાના ઘરેણાં નદીના વહેતા પાણીમાં ફેંકી દીધા હોવાનું પણ જણાવ્યું હતું. તો બીજી તરફ, પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્સન પણ કર્યું હતું, રીકન્સ્ટ્રક્સનથી હત્યાની તમામ કડીઓ જોડવામાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી, ત્યારે હાલ તો મહુવા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.