Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તળાજા અને રુવામાં થયેલ લાખોની લૂંટ તેમજ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ...

તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

X

ભાવનગરના તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. તો બીજી તરફ, ભાવનગરના રુવા વિસ્તારમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ રોડ પર ગત તા. 17 નવેમ્બરના રોજ પહલ ફાઇનાન્સ કંપીની તળાજા બ્રાન્ચમાં B.O.M. તરીકે નોકરી કરતી યુવતી હેતલ ભાલીયા કંપનીનાં કલેક્શનનાં 7.85 લાખથી વધુ પિયા HDFC બેંકમાં ડીપોજીટ કરવા જતા હતા. તે વેળાએ ગોપનાથ રોડ બાપા સીતારામ ચોક પાસે બે અજાણ્યા શખ્સોએ મોપેડ પર આવી રોકડ રકમ ભરેલા બેગની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે તળાજા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી, ત્યારે ફરિયાદના આધારે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી રાહે ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે આવેલ સ્વામીનારાયણ મંદીર નજીક 4 શખ્સો એક કાળા કલરની નંબર પ્લેટ વગરના મોપેડ સાથે ઉભા હોવાની માહિતી મળી હતી. જેમાં પોલીસની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી ચારેય શખ્સોને શંકા આધારે તપાસ કરતા મુદ્દામાલ સાથે હાજર મળી આવ્યા હતા. જે અંગે પોલીસે પૂછપરછ કરતા તેઓ ચારેયે ભેગા મળી થોડા દીવસ પહેલા આ લૂંટને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જે અંગે પોલીસે નિલેશ દયાળ મેર, કલ્પેશ ભનુરામ દેવમુરારી, જગદિશ સુરેશ વ્યાસ અને મનીષ ઉર્ફે લાલો ભુપત બાંભણીયાની રૂ. 6.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ, ભાવનગર શહેરના રુવા વિસ્તારમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી હતી. રુવા વિસ્તારની સામ્રાજ્ય પાર્કમાંથી થયેલ ચોરીના મામલે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. શહેરના સામ્રાજ્ય પાર્ક ખાતે રહેતા અને વકિલાતનો વ્યવસાય કરતા જીગ્નેશ પટેલ તેના પરિવાર સાથે શ્રીનાથજીનગર તેના મમ્મીના ઘરે ગયા હતા, ત્યારે ઘરની અગાશીનું બારણું તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂ. 1.75 લાખના મત્તાની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે જીગ્નેશ પટેલે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમીરાહે હકિકતે થેલીમાં રહેલ સોના-ચાંદીના દાગીનાઓ તથા રોકડ રકમ સાથે ભુરા દોલાભાઇ વાઘેલાની ધરપકડ કરી હતી. જોકે, પોલિસની પૂછપરછમાં સંતોષકારક જવાબ નહીં મળતા ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story