પ્રાચીન કાળથી ભારત રાષ્ટ્રમાં યોગ અને પ્રાણાયામને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે યોગ કરવામાં આવ્યા હતા. લોકોમાં યોગ પ્રત્યે દિન પ્રતિદિન લોકપ્રિયતા પણ વધી રહી છે, ત્યારે ભાવનગર શહેરની રબર ગર્લ જાનવી મહેતાએ ઓનલાઈન માધ્યમથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી લોકોને યોગ અને પ્રાણાયામના ફાયદા સમજાવ્યા હતા.
યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. જેમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં તો યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવ્યો છે. વિશ્વમાં અલગ અલગ રીતે યોગ કરી તેને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાવનગરની એક દીકરી જેનું નામ છે જાનવી મહેતા જેને રબર ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. વિશ્વ યોગ દિવસે જાનવીએ ઓનલાઈન માધ્યમથી ભાવનગર તેમજ દેશની જનતાને અલગ અલગ યોગ કરાવ્યા હતા. સાથોસાથ યોગથી થતા ફાયદા અને યોગનું મહત્વ પણ સમજાવ્યું હતું. જાનવીએ જણાવ્યુ હતું કે, વિશ્વ સ્તરે યોગને લઈ જવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ જહેમત ઉઠાવી યોગની જ્યોતને વિદેશમાં પણ પ્રજ્વલિત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ યોગ ક્ષેત્રે કમિટી બનાવી યોગને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રયાસો કર્યા છે.
ભાવનગરની રબર ગર્લ તરીકે નામના મેળવનાર જાનવી મહેતા હાલ આંતરરાષ્ટ્રીય યોગ એમ્બેસેડર છે. જાનવી મહેતાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં નારી સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય 1000 મહિલાની યાદીમાં ગુજરાતમાંથી માત્ર જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે. જાનવી મહેતાએ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી અનેક એવોર્ડ મેળવ્યા છે, ત્યારે ભાવનગર સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. જાનવી મહેતાએ ચીન, મલેશિયા, સાઉથ કોરિયા જેવા વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 8થી વધુ વખત ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ જીતી વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વગાડ્યો છે. જાનવી મહેતાએ વોટર યોગમાં પણ મહારત હાંસલ કરી છે, ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જાનવી મહેતાએ પાણીમાં અનેક પ્રકારના યોગ આસનો કરી લોકોને પ્રાણાયામના ફાયદા સમજાવ્યા હતા.