/connect-gujarat/media/post_banners/6c3497e11fa27dd70c4f5c3e50570bca0e074942d5ac518b9cb6389fe2f2932c.jpg)
સામાન્ય રીતે દિવાળી બાદ રસ્તાઓ ટનાટન બની જતાં હોય છે પણ મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ ખાડાઓ પણ શરમાય જાય તેવી હાલત છે.
ભાવનગરના મહુવા શહેરની બાયપાસ આવેલ નેસવડ ચોકડી પાસેના રસ્તાના ખસ્તાહાલ છે. રાજયના મુખ્યમંત્રી બદલાય ગયાં પણ નેસવડ ચોકડી પાસેનો રસ્તો હજી બદલાયો નથી. ચોમાસામાં રસ્તા પર પડેલા ખાબોચિયાઓ આજે મસમોટા ખાડામાં ફેરવાય ગયાં છે. આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોના પેટનું પાણી હાલી જાય છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ રસ્તા પરથી પસાર થતી વેળા વાહનચાલકોએ ખુબ કાળજી રાખવી પડે છે કારણ કે એક નાની ભુલ અકસ્માતને ઇજન આપી શકે છે. ગાદીના મણકા ખસાડી દે તેવો રસ્તો કદાચ સરકારના ખાડા પુરો અભિયાનમાંથી બાકાત રહી ગયો હોય તેમ લાગે છે.
રસ્તાના રીપેરીંગ માટે વારંવાર રજુઆત કરવામાં આવી પણ કુંભકર્ણની નિંદ્રામાં રહેલું તંત્ર કયારે જાગશે તે એક સવાલ છે. ખાડાઓ સાથે ઉડતી ધુળથી પણ વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે. ધુળની ડમરીઓના કારણે દિવસે પણ ઝીરો વિઝિબીલીટીનો માહોલ છે. જો બે દિવસમાં રસ્તાનું રીપેરીંગ નહિ થાય તો ખેડુત એકતા મંચે આંદોલનની ચીમકી આપી છે.