ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ
શ્રાવણના અંતિમ ચરણથી વરસાદની એન્ટ્રી
સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
હવામાન વિભાગે 19 જિલ્લામાં આપ્યું ઓરેન્જ એલર્ટ
ભારે પવન સાથે વરસાદ વરસે તેવી સંભાવના
ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજે પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરી છે.અને હવામાન વિભાગે પણ ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં શુક્રવાર 15 ઓગસ્ટથી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવારે વિરામ લીધો હતો. જોકે, વરસાદે પોતાનું જોર બતાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ ધડબડાટી બોલાવશે. 19 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,સુરેન્દ્રનગર,ભાવનગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલી, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ સિવાય રાજ્યના બાકીના જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી ત્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ થવાની આશંકા છે.