-
હાથબ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત
-
ડમ્પર ચાલકે બાઈક સવારને લીધા અડફેટે
-
બાઇક સવાર બે નેપાળી યુવકોના નિપજ્યા કરૂણ મોત
-
અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર
-
પોલીસે ડમ્પર કબ્જે કરીને શરૂ કરી તપાસ
ભાવનગર જિલ્લાના ઘોઘાના હાથબ ગામ પાસે ડમ્પર ચાલકે બાઈક પર સવાર યુવકોને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં નેપાળી બે યુવકોના ગંભીર ઈજાને પગલે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
ભાવનગર જિલ્લાના ઘોઘાના હાથબ ગામે બાઈક પર જઈ રહેલા બે નેપાળી યુવાનોને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૂળ નેપાળના અને હાલમાં કોળિયાક ગામે રહેતા અને રેસ્ટોરન્ટમાં કામ કરતા સન્ત બહાદુર લોકવિર કામી તથા મહેન્દ્ર ધન બહાદુર દમાઈ રવિવારની રાત્રે આ બંને મિત્રો રેસ્ટોરન્ટ માલિક મૂળજી ગોવિંદ જેઠવાની માલિકીનું બાઈક લઈને પાન માવો ખાવા નીકળ્યા હતા. આ બંને યુવાનો હાથબ ગામે રાતાનાળા પાસે પહોંચતા બાઈક પાછળ આવી રહેલા રેતી ભરેલા ડમ્પર ટ્રકના ચાલકે ડમ્પર પૂર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી બાઈક સવાર બંને નેપાળી યુવાનોને અડફેટે લેતા આ યુવાનો ડમ્પરના વ્હીલ તળે આવી જતા બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.
આ બનાવની જાણ થતા ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને હતભાગી પરદેશી યુવાનોના મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.અને ડમ્પર કબ્જે લઈને ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.