ગુજરાત બીજેપીના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી વર્ષ 2022ની ચૂંટણીને ખાસ ધ્યાને લઈ બેઠક યોજવામાં આવી હતી, ત્યારે આ બેઠકમાં કેન્દ્રિય પ્રભારી ભુપેન્દ્ર યાદવ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોર ટીમના સદસ્યો તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રીએ હાજરી આપી હતી.
ભાજપ પ્રદેશ કાર્યાલય "કમલમ" ખાતે કેન્દ્રિય પ્રભારી ભુપેન્દ્ર યાદવાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની એ સમયની સ્થિતિ અને આગામી સમયમાં ત્રીજી લહેરની તૈયારી તેમજ વાવાઝોડામાં થયેલ કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, બેઠકમાં આગામી વર્ષ 2022ની ચૂંટણી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સરકાર માટે એક તરફ આગામી વિધાનસભાની ચૂંટણી છે, તો બીજી તરફ કોરોનાની વળસતી સ્થિતિ પણ છે. બીજી લહેરમાં જ સરકારના કામની અવગણના કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં ત્રીજી લહેર પણ એક પડકાર છે.
આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે, વર્ષ 2020ની ચૂંટણી બાબતે હાલ પ્રાથમિક બેઠક યોજાઇ છે. જોકે હજુ સુધી પેરામીટર નક્કી કરવાના બાકી છે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ 2022ની ચૂંટણીમાં કરવામાં આવશે. ઉપરાંત સરકાર અને સંગઠન બન્ને ભેગા મળીને કામ કરે છે. કોરોનામાં કોંગ્રેસનો એક પણ નેતા બહાર નહોતો દેખાતો, જ્યારે બીજેપીના નેતા સેવા માટે બહાર રહી લોકોની મદદ કરી હતી. આમ 2022ની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.