પોરબંદર શહેરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર ખાતે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.
આ ઘટનામાં હોસ્પિટલના એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. સદનસીબે આ બનાવ બન્યો ત્યારે કોઇ દર્દી કે ડોકટર હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી હતી. ત્યારે આ મુદ્દે હોસ્પિટલના તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ઓપરેશન વિભાગમાં થતા ઓપરેશન સાધનોને જંતુમુક્ત કરવા માટે ચાર ઓટોકલેવ મશીન આવેલ છે, જેમાં હાલ માત્ર બે જ ઓટોકલેવ મશીન ચાલુ હાલતમાં હતા. જેમાંથી એક ઓટોકલેવ મશીનમાં બ્લાસ્ટ થતા હોસ્પિટલનું ઓપરેશન થિયેટર એક મશીનના ભરોસે આવી ગયું છે. આમ ચારમાંથી બે મશીન બંધ હતા અને એક ફાટી જતા આ મશીનની ગુણવત્તા અંગે પણ સવાલ ઉઠ્યા છે.
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં 10 વાગ્યા આસપાસ ઓપરેશન થિયેટર વિભાગમાં એક ઓપરેશન કરવાનું થાય તે પહેલા પૂર્વ તૈયારીના ભાગરૂપે કર્મચારી જયેશભાઇ ઢાકેચા પોતાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક જ બ્લાસ્ટ થતા ઓટોકલેવમાં બ્લાસ્ટ થતા કર્મચારીને હાથના ભાગે અત્યંત ગંભીર ઇજા થઇ હતી. બનાવની જાણ થતા હોસ્પિટલનું તંત્ર દોડતુ થઇ ગયુ હતુ અને સિવિલ સર્જન સહિત ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા. તથા કયા કારણોસર ઘટના ઘટી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.