બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હોળી પર્વે મંદિર કષ્ટભંજન હનુમાનજીને પંચરંગી વાઘાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે, જ્યારે આવતીકાલે ધૂળેટી નિમિત્તે હરિભક્તો પર રંગ અને ચોકલેટની પ્રસાદીને ઉડાડવાનું આયોજન કરાયું છે.
સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. જોકે, છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર અહી હોળી-ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આજે હોળીના પાવન અવસરે મંદિર પરિસરમાં અલગ અલગ રંગો, પિચકારી સહિત કષ્ટભંજન હનુમાનજીની પ્રતિમાને પંચરંગી વાઘાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ આવતીકાલે ધૂળેટીના દિવસે કષ્ટભંજન હનુમાનજીને 25 હજારથી વધુ ચોકલેટ અર્પણ કરવામાં આવશે. આ બાદ મંદિર પરિસરમાં રંગોત્સવ દરમ્યાન 2 હજાર કિલોથી વધુ રંગ અને ચોકલેટની પ્રસાદીને હરિભક્તો પર ઉડાડવામાં આવશે. જોકે, આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.