શિક્ષણ એ સમાજનો પાયો છે. આ પાયાને મજબૂતી આપે છે શિક્ષક. જો શિક્ષક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો લોકહ્રદયમાં કેવું સ્થાન પ્રાપ્ત કરે છે, તેનું ઉત્તમ ઉદાહરણ છે. બોટાદ જિલ્લાનું લાખણકા ગામ. અહીંની પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઈનોવેટિવ પદ્ધતિથી શિક્ષણ આપી ગ્રામજનોના દિલ જીતી લીધા છે. જુઓ આ વિશેષ અહેવાલ...
આ છે બોટાદ જિલ્લાની લાખણકા ગામની પ્રાથમિક શાળા. આ પ્રાથમિક શાળામાં 632 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના 17 શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો થકી બાળકોનું ઘડતર કરી રહ્યા છે. શાળાનું પરિણામ ખુબ સરસ આવે છે. શિક્ષકો શાળાના સમય બાદ પણ વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે. તેમના થકી બીજી વિવિધ પ્રવૃતિઓ થાય છે જેમ કે, ગામમાં અભ્યાસક્રમને લગતા કેટલાક બોર્ડ બનાવી અને બાળકો રમતાં રમતાં શીખે તેવા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે.
લાખણકા પ્રાથમિક શાળામાં શિક્ષકો થકી ચાલતી નવતર પ્રવૃતિની વાત કરીએ, તો આવનાર પેઢી ઔષધિય જ્ઞાનથી અવગત થાય તે માટે ઓષધિબાગ તૈયાર કરાયું છે. કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવેલ છે, જેના થકી બાળકોને મધ્યાહન ભોજન થકી પૌષ્ટિક આહાર મળી રહે છે. શાળામાં ધોરણ 6થી 8ની બાળાઓને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. શાળાના શિક્ષકો દ્વારા શાળાના સમય બાદ પણ બાળકોના ઘરે જઈને રાત્રે 8થી 10 ભણાવીને બાળકોની મુંઝવણ દુર કરવામાં આવે છે. આવી રીતે શાળાના ગુરુજનો સાચા અર્થમાં વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક બનીને ઘડતર કરી રહ્યા છે. આમ, લાખણકાની પ્રાથમિક શાળાના શિક્ષકોએ "મન હોય તો માળવે જવાય"ના સંદેશને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.