ડોલરીયા ગામમાંથી ખૂની ખેલની ઘટના સામે આવી
પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ જ બન્યો હત્યારો
મિત્રએ તેના જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી
બનાવના પગલે ઝોઝ પોલીસ ઘટના સ્થળે દોડી આવી
પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી આદરી
છોટાઉદેપુર જિલ્લાના ડોલરીયા ગામે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ તેના જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, ઝોઝ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસારિક જીવનનો માળો વિખેરાયો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. નવાગામના સુકલાભાઈ ઉર્ફે ઝૂકલાભાઈ બારીયાના લગ્ન ડોલરીયા ગામમાં થયા હતા. જે ડોલરીયા ગામે ઘર જમાઈ તરીકે રહેતો હતો. જોકે, પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી નવાગામ રહેતા અને પોતાના જ મિત્ર એવા 23 વર્ષીય અપરણિત યુવક કિશન રાઠવાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી મૃતદેહને ઉકરડામાં દાટી દીધો હતો. કિશન રાઠવા નવાગામથી મોટર સાયકલ લઈને ડોલરીયા ગામે ઝૂકલાની પત્નીને મળવા આવ્યો હતો, અને ઝૂકલો પોતાના પ્રેમીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવી દીધો હતો. ગત તા. 23મી ઓક્ટોબરની મઘરાત્રે કિશન પ્રેમિકાને મળવા આવતા હત્યા કરી નાંખી હતી.
જોકે, કિશન રાઠવાની હત્યા બાદ લોહી નીતરતી લાશને ઘરના વાડામાં આવેલા ઉકરડામાં દાટી દીધી અને જાણે કઈ બન્યું જ નહીં હોય એવો ડોળ કર્યો હતો. જોકે, સવારમાં મૃતક કિશનની બાઈક, ચપ્પલ, એટીએમ કાર્ડ મળી આવતા કિશનના સગાઓને જાણ કરાઈ, અને તેના સગાઓ નવાગામથી ડોલરીયા આવી જોતા લોહીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતા. કિશનનો મૃતદેહ તેના સગાઓને મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહીતનો પીલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને ઝોઝ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, જ્યારે હત્યા કરનાર સુકલા બારીયાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.