સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો
CM દ્વારા અમૃત મુહૂર્તમાં નવા નીરના કરાયા વધામણા
માઁ નર્મદાને મંત્રોચ્ચાર સાથે CM દ્વારા ચૂંદડી,શ્રીફળ અર્પણ કરાયા
ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક
એક મહિનામાં અંદાજીત 77.39 લાખ ક્યુસેક પાણી છોડાયું
સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ આઝાદી પહેલાંથી કરવામાં આવી હતી. 1945માં સરદાર પટેલે તેની શરૂઆત કરી હતી. 5 એપ્રિલ 1961ના રોજ દેસના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ તેનું ખાતમૂહૂર્ત કર્યું હતું પણ અનેક કારણોસર પ્રોજેક્ટ લટકી રહ્યો. 1979માં નર્મદા વોટર ડિસ્પુટ ટ્રાઈબ્યૂનલે ડેમની ઉંચાઈ 138.38 મીટર નક્કી કરી અને તેનું નિર્માણ શરૂ કરાયું. 1995માં સુપ્રીમ કોર્ટે લોકોના વિસ્થાપન અને પર્યાવરણની ચિંતાને લઈને ડેમનું કામ રોકાવી દીદું. 2006માં ડેમની ઊંચાઈને વધારીને 121.92 મીટર કરવામાં આવી અને 2017માં 138.90 મીટરની મંજૂરી મળી. આ રીતે સરદાર સરોવર ડેમને પૂર્ણ કરવામાં લગભગ 56 વર્ષ લાગ્યા. 17 સપ્ટેમ્બર 2017માં પીએમ મોદીએ તેને દેશને સમર્પિત કર્યું. સરદાર સરોવર ડેમની ઉંચાઈ 138 મીટર છે. જે દેશનો સૌથી ઊંચો ડેમ છે. તેની શરૂઆત 93 કરોડના બજેટથી કરવામાં આવી હતી. પરંતુ તેને બનાવવામાં 65 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. સાથે જ ડેમ માટે 86.20 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થયો છે. ડેમમાં કુલ 30 દરવાજા છે અને દરેક દરવાજાનું વજન 450 ટન છે. ડેમનું વોટર સ્ટોરેજ કેપેસિટી 47.3 લાખ ક્યૂબિક લિટર છે. સરદાર સરોવર ડેમથી 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ મળે છે.તેનાથી 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. સિંચાઈની વાત કરીએ તો તેનાથી સૌથી વધુ ફાયદો ગુજરાતને થાય છે. અહીંના 15 જિલ્લાના 3137 ગામને 18.75 લાખ હેક્ટર જમીનની સિંચાઈ થશે. વીજળીનો સૌથી વધારે એટલે કે 57 ટકા ભાગ મધ્યપ્રદેશને મળ્યો છે, મહારાષ્ટ્રને 27 અને ગુજરાતને 16 ટકા વીજળી મળી રહી છે. રાજસ્થાનને ફક્ત પાણી મળશે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12.39 વાગે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરના વધામણા કર્યા હતા. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની જાવક છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમ પર 12.39 વાગે અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચાર સાથે નર્મદા નદીના નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરી હતી.અને નર્મદા નીરના વધામણા કર્યા હતા.તેમજ નર્મદા માતાની આરતી ઉતારીને પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વરસાદની મોસમમાં નર્મદા ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને તારીખ 10 ઓગષ્ટ થી 27 સપ્ટેમ્બર 2024 સુધીમાં કુલ 77 લાખ 39 હજાર 786 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.