ડાંગ જિલ્લાના એકમેવ ઐતિહાસિક લોકમેળાની ભવ્યતાને ચાર ચાંદ લગાવતા સતત 4 દિવસો સુધી મેળો મ્હાલવા આવતા પ્રજાજનોને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે.
ગુજરાત પ્રવાસન નિગમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડાંગ દરબાર ૨૦૨૨ના ઉદ્દઘાટન સમારોહ પૂર્વે યોજાતી, રાજવીશ્રીઓની શોભાયાત્રા સાથે અંદાજિત ૨૭૬થી વધુ કલાકારો, પોતાની કળા અને કૌંશલ્યનુ પ્રદર્શન કરવા સાથે ગીત, સંગીત અને નૃત્યોની રમઝટ બોલાવશે. શોભાયાત્રામાં રાજવીઓની આન, બાન અને શાન સાથે ગોરાઈ પૂજન કરતી આદિવાસી મહિલાઓ, ડાંગની ભાતિગાળ નૃત્ય શૈલીના અવનવા નૃત્યો, સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા વાદ્યોની સૂર અને સુરાવલી વચ્ચે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોના પાત્રો લોકાર્ષણ જાગાવશે.
ડાંગના ભાતિગળ લોકનૃત્યો, ડાંગી ડાન્સ, ભવાડા નૃત્ય, માદળ નૃત્ય, પાવરી નૃત્ય, ગામીત નૃત્ય, સહિત હરિયાણા, પંજાબ, આસામના પરંપરાગત નૃત્યો ગુજરાતના દાહોદનું તલવાર નૃત્ય, કચ્છી ઘોડી નૃત્ય અને ચકરી નૃત્ય પ્રજાજનોને મનોરંજન પૂરૂ પાડશે. શોભાયાત્રા બાદ ડાંગના પોતિકા ઉત્સવ એવા ડાંગ દરબારના ઉદ્દઘાટન સમારોહમાં રાજવીઓ અને રાજ્યપાલસહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાનાર ગરિમાપુર્ણ ઉદ્દઘાટન સમારોહ દરમિયાન, રંગ ઉપવનના રંગમંચ ઉપર પણ આ કલાકારો તેમનું કૌવત ડાંગના દરબારીઓ સમક્ષ પ્રસ્તુત કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.