Connect Gujarat
ગુજરાત

કોરોનાનો "ખતરો" : ગુજરાતમાં કોવિડની સ્થિતિ અંગે મુખ્ય સચિવે સમીક્ષા બેઠક યોજી

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાય સમીક્ષા બેઠક, ગુજરાતમાં કોવિડની પરિસ્થિતીનો મેળવ્યો ચિતાર

X

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, વેક્સિનેશન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે રાજ્યના દરેક જિલ્લાના કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરો સાથે મુખ્ય સચિવ પંકજ કુમારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉપર વિશેષ ભાર મૂકી તે સ્થળોની વિઝિટ અંગે પણ સૂચના આપી હતી. કોઈપણ વ્યક્તિ કન્ટેન્ટમેન્ટ કે, કવોરન્ટાઇન ભંગ ન કરે તેની ખાસ તકેદારી રાખવા દિવસભર સતત પોલીસ વિઝિટ કરવા સૂચના આપ્યાની સાથોસાથ દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝિટ લેવા આદેશ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ધન્વંતરિ રથ અને સંજીવની રથ શરૂ કરી રોજ-બરોજ મોનિટરિંગ કરવા પણ સૂચના આપી હતી. દરેક જિલ્લામાં રસીકરણની કામગીરી અંગે વિગતો મેળવી વધુને વધુ રસીકરણ કેમ્પનું આયોજન કરી બન્ને ડોઝની 100 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાય રહ્યાં છે, તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટીલેટર, માસ્ક, PPE કીટ, સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓનો પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે પણ સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story