મહિલાઓની ટોળકીએ રૂપિયાની કરી ઉઠાંતરી
વેપારીની ઓફિસમાંથી રૂ.5 લાખ ચોરી લીધા
કર્મચારી જોડે રકઝક કરીને નજર ચૂકવી કરી ઉઠાંતરી
બે વેપારીને ત્યાં ચોરીની ઘટનાથી ચકચાર
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી.
દાહોદના અનાજ માર્કેટમાં લોકેશકુમાર ખંડેલવાલ ખેડૂતોનો માલ રાખીને વેપાર કરે છે. બુધવારની સવારે 9 વાગ્યે લોકેશકુમારે દુકાન ખોલી હતી. ત્યારબાદ 11થી 12:30 વાગ્યા સુધી તેઓ ખેડૂતોના માલની હરાજીમાં વ્યસ્ત રહ્યા હતા. આ દરમિયાન દુકાનમાં તેમના બે કર્મચારીઓ હાજર હતા.ત્યારે બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં અજાણી મહિલાઓનું ટોળું ભિખારીના વેશમાં પોતાની સાથે નાના બાળકોને લઈને દુકાનની ઓફિસમાં પ્રવેશ્યું હતું. આ મહિલાઓએ ભીખ માંગવના બહારને ઓફિસમાં હાજર કર્મચારીઓને વ્યસ્ત રાખ્યા હતા અને આ દરમિયાન અન્ય મહિલાએ કળા કરીને પાછળથી ચૂપચાપ કાઉન્ટરના ડ્રોવરનો દરવાજો ખોલ્યો હતો અને તેમાંથી 5 લાખ રૂપિયા કાઢી લીધા હતા અને ચોરી પૂરી થતાં જ આખી ગેંગ તરત ફરાર થઈ ગઈ હતી.
આ ઉપરાંત શહેરના હનુમાન બજાર વિસ્તારમાં આવેલા મીરા એન્ટરપ્રાઇઝમાં પણ 20 હજાર રૂપિયા ટેબલના ડ્રોવરમાંથી સેરવી લીધા હતા.ચોરીની આ ઘટનાઓ દાહોદમાં વેપારીઓમાં ગભરાટ ફેલાવ્યો છે. પોલીસ હાલ CCTV ફૂટેજના આધારે ગેંગને ઝડપી પાડવાના પ્રયાસ કરી રહી છે.