-
ખંગેલા ગામે ઘરમાં બાકોરૂ પાડી રચ્યું લૂંટનું પ્રપંચ
-
ચાંદીના દાગીના અને રોકડની લૂંટની વાત વહેતી થઈ હતી
-
સમાધાનમાં રૂપિયા ન આપવા પડે માટે કાવતરૂ કર્યું
-
ફરિયાદી જ બન્યો આરોપી
-
પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો
દાહોદ તાલુકાના ખંગેલા ગામે ઘરમાં બાકોરૂ પાડીને 7 લૂંટારુ દાગીના તેમજ રોકડની લૂંટ કરી ગયા હોવાની ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આખી ઘટનામાં પોલીસની શંકા આખરે હકીકતમાં પરિણમી હતી.અને સમાધાનમાં કબુલેલા રૂપિયા આપવા ન પડે તે માટે ફરિયાદીએ જ લૂંટનું પ્રપંચ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું.
દાહોદ તાલુકાના ખંગેલા ગામના ધેડ ફળિયામાં હસુ નુરજી મેડાના ઘરમાં લૂંટ થઈ હોવાની ઘટનાથી પોલીસ વિભાગ દોડતું થઇ ગયું હતું. ખંગેલા પહોંચતા ત્યાં ઘરમાં બાકોરૂ પડેલુ જોવાયું હતું. આ સાથે ઘરના વેરવિખેર સામાન સાથે હસુના માથામાં ઇજાઓ સાથે હાથ ઉપર ત્રણ ટાંકા પણ આવેલા જોવા મળ્યા હતા. આ મામલે ગામના જ 7 લોકોએ હુમલો કરીને ધાડ પાડી હોવાની અરજી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ઘરમાં બાકોરૂ પાડીને 7 લોકોએ માર મારીને પેટીમાં મૂકી રાખેલા રોકડા રૂપિયા 3.0 લાખ અને આશરે સાડા 4 કિલો વજનના ચાંદીના દાગીનાની લૂંટ કરી ભાગી ગયા હતા.
આ બાબતે પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસના ભાગરૂપે ઉલટ તપાસ શરૂ કરાઇ હતી. ત્યારે થોડા સમય પહેલા થયેલા એક ઝઘડામાં 3.50 લાખ રૂપિયા આપવાની કબૂલાત બાદ સમાધાન થયું હતું. આ રૂપિયા આપવા ન પડે માટે પોતાના પરિવાર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું હોવાનો ભેદ ખુલતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઇ હતી.તરકટના ભાગરૂપે સૌ પ્રથમ હસુએ ઘરની દિવાલમાં પોતે જ બાકોરૂ પાડી નાખ્યુ હતું.ત્યારબાદ પોતાના જ માથા ઉપર સામાન્ય ઘા સાથે હાથ ઉપર છરી વડે એવો ઘા કરાયો કે ત્રણ ટાંકા આવ્યા હતા. ઘરનો સામાન પણ વેરવિખેર કરી દેવાયો હતો. મધ્ય રાત્રે બૂમાબૂમ કરીને લોકોને ભેગા પણ કરવામાં આવતા તેઓ પણ ખરેખર લૂંટ થઈ હોવાનું સમજ્યા હતા.
પોલીસમાં જાણ કરતા પહેલા સોશિયલ મિડિયામાં તેનો પ્રચાર કરી દેવાયો હતો. ધાડના બનાવ અંગે ગામના જ 7 લોકોએ આ ધાડ પાડી હોવાની અરજી પોલીસને આપવામાં આવી હતી. ભેદ ઉકેલાતા હસુએ જ તમામ કબૂલાત કરીને માળિયા ઉપર સંતાડેલા દાગીના પોતે જ કાઢી આપ્યા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવાના આ પ્રકરણમાં કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.