ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારી પગારથી વંચિત
છેલ્લા છ મહિનાથી શ્રમજીવીઓને નથી મળ્યો પગાર
સફાઈ કામ કરી ગુજરાન ચલાવતા કર્મચારી હેરાન પરેશાન
પંચાયતમાં પગાર બાબતે રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
રક્ષાબંધન પહેલા સંપૂર્ણ પગાર ચૂકવવા માંગ કરાઇ
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારો છેલ્લા છ મહિનાથી પગારથી વંચિત રહેતા તેમના પરિવારની હાલત કફોડી બની છે,અને શ્રમજીવીઓ પૂરા વેતનની માંગ કરી રહ્યા છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારો, જેઓ ગામની ગલીઓને સ્વચ્છ રાખવા દિવસ-રાત ઝઝૂમે છે, તેઓ છેલ્લા છ મહિનાથી પગારથી વંચિત છે. આ કારણે તેમના પરિવારો આર્થિક સંકટની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આ કામદારો, જેઓ પોતાની મહેનતથી ગામને ચોખ્ખું રાખે છે, તેઓ હવે ઉછીના પૈસા અને ઉધારના સામાનના સહારે જીવન ગુજારી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા કામદારોમાં ભય વ્યાપી રહ્યો છે કે 9 ઓગસ્ટ પહેલા પગાર નહીં મળે તો તેમનો તહેવાર ફીકો રહેશે.
સફાઈ કામદાર સવિતાબેને આક્રોશ સાથે જણાવ્યું, અમે ગામની સ્વચ્છતા માટે અથાક મહેનત કરીએ છીએ, પરંતુ છેલ્લા છ મહિનાથી પગાર નથી મળ્યો. સગા-સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા અને કરિયાણાની દુકાનેથી ઉધાર સામાન લઈને પરિવાર ચલાવીએ છીએ. પૂર્વ સરપંચ કચરુ પ્રજાપતિ અમને પગારમાં વિલંબ થાય તો ઉપાડ આપતા, જેનાથી થોડી રાહત મળતી. પરંતુ નવા સરપંચ પ્રવીણ પંચાલને વારંવાર રજૂઆત કરવા છતાં ફક્ત વાયદા મળે છે, કોઈ ઉકેલ આવતો નથી.
સ્થાનિકો અને કામદારોએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પર આરોપ લગાવ્યો છે કે ગરીબ સફાઈ કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે.