દાહોદમાં શાળાની બાળાના રહસ્યમય મોતનો મામલો
પોલીસને ઘટનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા
શાળાનો આચાર્ય જ નીકળ્યો હત્યારો
શારીરિક અડપલાનો બાળકીએ કર્યો હતો પ્રતિકાર
આચાર્યે બાળકીનું મોઢું દબાવીને હત્યા કરી હતી
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યો હતો,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને શાળાના આચાર્યની જ આરોપી તરીકે ધરપકડ કરી હતી.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળા ખાતે બાળકીના રહસ્યમય મોત અંગેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો.શાળાના આચાર્ય ગોવિંદ નટ બાળકીને શાળાએ લઇ જવા માટે પોતાની કારમાં સાથે લઇ ગયો હતો,અને સાંજના સમયે શાળા છૂટ્યા બાદ પણ બાળકી સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોએ ચિંતિત થઈને બાળકીની શોધખોળ શરૂ કરી હતી.અને બાળકીનો મૃતદેહ શાળાની પાછળના ભાગેથી મળી આવ્યો હતો.જે ઘટના અંગે જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલા દીકરીના મોત મામલે રાતોરાત શાળા ખાતે ફોરેન્સિક ટીમ એલસીબી તેમજ એસઓજી પોલીસની ટીમ સાથે દોડી આવ્યા હતા,અને બાળકીના મોત અંગેનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ઘટનામાં શાળાના આચાર્ય દ્વારા પણ શરૂઆતમાં પોલીસને પોતે નિર્દોષ હોવાનો ઢોંગ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો,જોકે શાળાના બાળકોની પોલીસે પૂછપરછ કર્યા બાદ ઘટના પરથી પડદો ઊંચકાયો હતો.અને શાળાના આચાર્યે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલ કરીને સમગ્ર ઘટના અંગે પોલીસને હકીકત જણાવી હતી,જેમાં આચાર્ય ગોવિંદે બાળકી સાથે શારીરિક અડપલા કરતા જેનો બાળકીએ પ્રતિકાર કર્યો હતો,તેથી ગોવિંદે બાળકીનું મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે બાળકીના હત્યારા ગોવિંદ નટની ધરપકડ કરીને હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.