-
નકલી NA પ્રકરણ ગુજરાતભરમાં મચાવી રહ્યો છે હાહાકાર
-
જમીન કૌભાંડમાં ભુમાફિયાઓ સામે પોલીસની લાલ આંખ
-
જમીન દલાલ - માલિકોની ધરપકડ પોલીસે કરી ધરપકડ
-
પોલીસની કાર્યવાહીના પગલે અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ
-
જમીન કૌભાંડ આચરનારા ભેજાબાજો જેલના સળિયા પાછળ
દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ મામલે પોલીસે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. તેવામાં જમીન દલાલ અને માલિકોની ધરપકડ કરતા અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
દાહોદમાં નકલી NA પ્રકરણ ગુજરાતભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. દાહોદમાં 219 જેટલા સર્વે નંબરોની જમીનોમાં પ્રીમિયમ ચોરી હેતુફેર નકલી બીનખેતી જમીન હુકમો સહિતના કૌભાંડોનો ભાંડો ફૂટતા પોલીસે અલગ અલગ જમીનોના સર્વે નંબરોમાં અત્યાર સુધી કુલ 4 FIR નોંધી છે. જેમાં જમીનોના માસ્ટર માઈન્ડ અને ભુમાફિયા તરીકે ઓળખાતા સેશવ શિરીષચંદ્ર પરીખની સમગ્ર કૌભાંડમાં સંડોવાણી બહાર આવી હતી, ત્યારે જમીન માલિક જકરીયા ટેલર, જમીન માલિક હારુન પટેલ, જિલ્લા પંચાયતના ચીટનીશ વિપુલ ડામોર, સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર દિનેશ પરમાર, સર્વેયર રાહુલ ચાવડા અને મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર અદનાન જેલમાં છે.
તેવામાં મુખ્ય ભેજાબાજ તરીકે ઓળખાતો સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી અને નામચીન બિલ્ડર કુતબી રાવત બન્ને પોલીસ પકડથી દૂર છે. પોલીસે અલગ અલગ 4 ગુનાઓમાં અત્યાર સુધી 19 લોકોની અટકાયત કરી જેલ ભેગા કર્યા છે, જેમાંથી જમીન માલિક મઝહર કાગદી, અજીજ પટેલ, ગોપાલ સોની,મુસ્તુફા જીરૂવાળા અને જમીન દલાલ પવન અગ્રવાલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચેય આરોપીઓના 5 દિવસના રીમાન્ડ મંજુર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે, ત્યારે પોલીસ તપાસમાં કેવા પ્રકારના ખુલાસાઓ થાય છે તે હવે જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, 219 સર્વે નંબરોમાંથી 4 ગુનાઓ નોંધાયા છે, અને સરકારી અધિકારીઓ જમીન માલિકો, જમીન દલાલો તેમજ જમીનોમાં કૌભાંડો આચરનારા મુખ્ય ભેજાબાજો જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે. જેમાંથી કેટલાક આરોપીઓએ જેલમુક્ત થવા માટે જામીન મુકી હતી. પરંતુ સેશન્સ અને હાઇકોર્ટ બન્ને નામદાર કોર્ટએ તેમના જામીન રદ કર્યા હતા, ત્યારે હવે અન્ય બાકી રહેલા જમીન કૌભાંડના ગુનાઓમાં ફોજદારી ગુનાઓ નોંધાવાના બાકી છે. જેમાં કેવા પ્રકારના લોકોની સંડોવણી બહાર આવે છે તે પણ હવે જોવું રહ્યું.