ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહીર ગામે ગર્ભવતી મહિલાની હત્યા કરનાર બનેવીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહીર ગામે એક ગર્ભવતી મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગોંડલવિહીર ગામે રહેતી ગર્ભવતી મહિલા અન્તી પવારની તેના જ નણદોઇએ હત્યા કરતાં સમગ્ર ડાંગમાં ચકચાર મચી જવા પામી છે. હત્યા અંગે મૃતકના પતિ અરવિંદ પવારે આહવા પોલીસ મથકે બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આહવા પોલીસ જણાવ્યા અનુસાર, ગત તા. 18 સપ્ટેમ્બરના રોજ ગોંડલવિહીર ગામે બપોરના 4 વાગ્યાના અરસામાં અન્તી પવારની ઘરમાં હતી, ત્યારે તેના ગળાના ભાગે ઇલેક્ટ્રિક વાયરથી ટૂંપો દઈ તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પતિ અરવિંદ પવારને પીપલાઈદેવી ગામે રહેતા તેમના બનેવી ઉપર શંકા હોવાનું જણાવતા આહવા પોલીસે તેમના બનેવી ગુલાબ માળવીશની ધરપકડ કરી છે. આરોપી કોઈ કામકાજ ન કરતો હોય, અને સાળાને ત્યાં આવીને પૈસાની માંગણી સાથે ઝગડો પણ કરતો હતો, ત્યારે હાલ તો પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.