હવામાન વિભાગની આગાહી અનુસાર વરસ્યો વરસાદ
ભારે વરસાદના કારણે કેટલાક માર્ગ પણ પ્રભાવિત થયા
ઠેર ઠેર પાણી ભરાયા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના
વિવિધ માર્ગ બંધ થતાં જનજીવનને મોટી અસર પહોચી
સલામતીના ભાગરૂપે તમામ શાળાઓમાં રજા જાહેર કરાય
ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક માર્ગ પ્રભાવિત થતાં જનજીવનને મોટી અસર પહોચી છે, જ્યારે સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જિલ્લા મુખ્યાલય આહવામાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, સલામતીના ભાગરૂપે જિલ્લા પ્રશાસને તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. આ તરફ, બાજ ગામની શાળામાં વરસાદી પાણી ઘૂસી જતાં શૈક્ષણિક સામગ્રીને નુકસાન થયું છે. વધુમાં બાજ નજીકના પુલ પરનો રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.
આહવા–મુલચોંડ માર્ગ પર વૃક્ષો અને પથ્થરો ખાબકતા વાહન વ્યવહાર બંધ થયો હતો. આહવાના પિંપરી ગામમાં જળબંબાકાર સર્જાયો છે. ખાપરી નદીના પૂરથી રોડ સાઈડની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. ખાતળ–માછલી માર્ગના પુલ પરથી પાણી વહી રહ્યું છે. ચકટીયા ગામમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે.
સુપદહાડથી મોટાબરડા, નાનાબરડા અને સુર્યાબરડા ગામોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ડાંગ જિલ્લા પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જ્યારે નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.