/connect-gujarat/media/post_banners/13b436b96040c596860c2dabac68781b3dcbaefcd1323fefd51b93d049151817.jpg)
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. હજી વરસાદની સિઝનના 2 મહિના બાકી છે, ત્યારે રાજ્યના તમામ ડેમ પાણીથી છલોછલ ભરાય હતા પીવાના પાણી અને સિંચાઈ માટેની તકલીફો દૂર થઈ છે.
નર્મદા બંધના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર અને તવા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી હવે ત્યાંનું પાણી નર્મદા ડેમમાં આવતાં જળસપાટીમાં વધારો થયો છે. હજુ પણ ચોમાસાના 2 મહિના બાકી છે, ત્યારે નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીએ ખૂબ વહેલો ભરાઈ જશે અને ગુજરાતના માથે પાણીનું સંકટ નહીં રહે તે નિશ્ચિત બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી વરસાદે પણ વિરામ લીધો છે. જોકે, હવે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થશે તેવું અનુમાન છે. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 70 ટકા વરસાદ વરસ્યો છે.
વરસાદના પગલે 206માંથી 34 ડેમ ઓવર-ફ્લો થયા છે. જોકે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. તો બીજી તરફ પાણીની ભારે આવક થતાં નર્મદા ડેમની સપાટી પણ 130.86 મીટરે પહોંચી છે. જોકે, ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે, ત્યારે હાલ તો ગુજરાતના માથે પાણીનું સંકટ નહીં રહે તે નિશ્ચિત બન્યું છે.