/connect-gujarat/media/post_banners/fa1ea0f12bd09f95330c32891f6c7a7ce926b442418f8343cab4900e9e0469be.jpg)
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ ખેડા જિલ્લાના ડાકોર સ્થિત ગોમતી નૌકા વિહાર ઉપર પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે જાગૃત નાગરિકે ઉપવાસ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો.
ખેડા જિલ્લાનું ડાકોરએ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, અને ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુંઓ ડાકોરમાં દર્શને આવતા હોય છે. પ્રવાસન સ્થળ તરીકે ડાકોરમાં પણ યાત્રાળુંઓને નૌકા વિહાર કરાવવામાં આવે છે. તેવામાં દેશનું ભવિષ્ય કહેવાતા અને સ્કૂલમાં ભણતા બાળકોની વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જવાથી ખૂબ જ દુઃખદ હોનારત સર્જાઈ છે. જેમાં ઘણા માતા-પિતાએ પોતાના લાડકવાયા અને પોતાની ઘડપણની લાકડી કહેવાતા બાળકોને ગુમાવ્યા છે, ત્યારે ડાકોરમાં પણ એક જાગૃત નાગરિક દ્વારા ડાકોર ગોમતી નૌકા વિહાર વિરૂદ્ધ થોડા મહિના પહેલા અરજી કરવામાં આવી હતી. જેમાં ડાકોર ગોમતી નૌકા વિહારના સંચાલક સુર્યાસ્ત થઈ ગયા બાદ પણ નવકાઓ ફેરવે છે, જે ગંભીર ઘટનાઓને નિમંત્રણ આપે છે. જેને લઈને પાલિકા સામે ઘણી વખત કાર્યવાહી કરવા માટે અરજદાર દ્વારા સૂર્યાસ્ત બાદ પણ નૌકા ગોમતીમાં ફેરવતા હોવાના વિડીયો સાથે રાખીને પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી હતી. તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતી હોય જેથી અરજદાર જીતુ સેવક વડોદરામાં જે ઘટના બની તે મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોરમાં ચાલતા નૌકા વિહાર ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈને તેઓ ડાકોર રણછોડરાયજી મંદિર સામે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. તંત્ર પાસે માત્ર એવી જ અપેક્ષા રાખી રહ્યા છે કે, હોનારત સર્જાય તે પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. અવારનવાર ભૂલ કરનારની સામે પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજદાર દ્વારા ગોમતી તળાવમાં જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.