દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના વધુ એક જહાજે ઓમાનના દરિયામાં જળસમાધી લીધી હતી, ત્યારે 12 જેટલા ખલાસીઓને ઓમાન નેવી દ્વારા રેસક્યું કરી બચાવી લેવામાં આવ્યા હતા. હાલ તો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું માલવાહક જહાજ ઓમાન તરફ જવા રવાના થયું હતું. જેમાં દુબઈથી સરસામાન લઈને સોમાલિયા તરફ જઈ રહેલા નિઝામુદ્દીન નામના જહાજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
બનાવના પગલે જહાજમાં સવાર ખલાસીઓએ પોતાના સ્વબચાવ માટે દરિયાના પાણીમાં ઝંપલાવ્યું હતું, ત્યારે ખલાસીઓએ પ્લાસ્ટિકના નાના પીપના સહારે ઘણો સમય પાણીમાં વિતાવ્યો હતો. જોકે, જહાજમાં આગ લાગતા તે બળીને ખાખ થઈ જતાં દરિયાના પાણીમાં જળસમાધી લીધી હતી.
બનાવની જાણ થતાં જ ઓમાન નેવી દ્વારા રેસક્યું કરી 12 જેટલા સલાયા બંદરના ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, ત્યારે ખલાસીઓનો આબાદ બચાવ થતાં સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.