ગુજરાતમાં રથયાત્રાનો છવાયો રંગ
અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી
અમદાવાદમાં 148મી યોજાઈ રથયાત્રા
ભગવાન સ્વયં ભક્તોના દ્વારે પહોંચ્યા
દર્શન થકી ભક્તો બન્યા ભાવવિભોર
ગુજરાતના અમદાવાદ,ભાવનગર,સુરત સહિતના જિલ્લાઓમાં અષાઢી બીજના પાવન પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જગતનો નાથ જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્ચાએ નીકળતા ભક્તો ભાવવિભોર બન્યા હતા.
અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ,માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી,તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટ પૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે,ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી છે.રથયાત્રા દરમિયાન એક વિઘ્ન આવ્યું હતું.રથયાત્રામાં સામેલ ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રા યોજાઈ છે.સંતો મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.આ રથયાત્રા ગુજરાત રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રા છે.ભાવનગરમાં પ્રથમ રથયાત્રા સ્વ.ભીખુભાઈ ભટ્ટ દ્વારા 1986માં શરૂ કરવામાં આવી હતી.
સુરત શહેરમાં વરાછા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી.અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળતા ભક્તોએ ભવ્ય સ્વાગત કરીને દર્શનનો લ્હાવો લીધો હતો.અને ખુબ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા."જય રણછોડ માખણ ચોર"અને જય જગન્નાથના જયઘોષથી સમગ્ર વાતાવરણમાં ભક્તિરસ ભળી ગયો હતો.