ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં “ધન્ય ધરા બોટાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો “ધન્ય ધરા બોટાદ” સાંસ્કૃતિક કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં 225 કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યાં હતા. G20 કાર્યક્રમ અંતર્ગત વસુધૈવ કુટુમ્બકમ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ-ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા-એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, દેશના રાષ્ટ્રીય પર્વોને જુદા જુદા જિલ્લા મથકોએ વિકાસ ઉત્સવો તરીકે ઉજવવાની નવતર પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી, અને તેના પરિણામે જ આજે બોટાદ જિલ્લાને એક જ દિવસમાં રૂપિયા 297 કરોડના 376 વિકાસ કાર્યોની ભેટ મળી છે. આ અવસરે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર બોટાદ જિલ્લાના શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને માહિતી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ વિકાસ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે વિશેષ આતશબાજી દ્વારા આકાશ ઝગમગી ઉઠ્યું હતું.